લખાણ પર જાઓ

કૃષ્ણકુમારસિંહ ગોહીલ

વિકિપીડિયામાંથી
કૃષ્ણકુમારસિંહ ગોહીલ
જન્મ૧૯ મે ૧૯૧૨ Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
મૃત્યુ૨ એપ્રિલ ૧૯૬૫ Edit this on Wikidata
માતા-પિતા

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા)ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.[][]

શરુઆતનું જીવન

[ફેરફાર કરો]

કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠપુત્ર અને તેમની ગાદીના વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી. તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.

રાજગાદી

[ફેરફાર કરો]

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા"ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા ભારતની સ્વતંત્રતા માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે જ ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા[સંદર્ભ આપો].

અંગત જીવન

[ફેરફાર કરો]

બાર-તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાયાં. ઈ.સ. ૧૯૩૧માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયાં.

જીવનનાં પાછલા વર્ષોમાં

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.

ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરેલા અભુતપૂર્વ[સંદર્ભ આપો] ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક ૨૦૧૨માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.

લોકચાહના

[ફેરફાર કરો]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.

તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

ક્રમસમયગાળોવર્ણન
૧૯૧૨-૧૯૧૯મહારાજા કુમાર શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ ગોહિલ, ભાવનગરના યુવરાજ સાહેબ
૧૯૧૯-૧૯૩૭હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા
૧૯૩૭-૧૯૩૮લેફ્ટનંટ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા
૧૯૩૮-૧૯૪૩લેફ્ટનંટ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૩-૧૯૪૫કેપ્ટન હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૫-૧૯૪૬લેફ્ટનંટ-કર્નલ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૬-૧૯૪૮કર્નલ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૮-૧૯૬૫કમાંડર હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.

સન્માન

[ફેરફાર કરો]
ક્રમસમયગાળોવર્ણન
૧૯૩૫કીંગ જ્યોર્જ ૪ રજત જયંતિ ચંદ્રક
૧૯૩૭કીંગ જ્યોર્જ ૫ કોરોનેશન ચંદ્રક
૧૯૩૮કે. સી. એસ્. આઇ. (Knight Commander of the Order of the Star of India)
૧૯૩૯-૧૯૪૫યુદ્ધ માટેનો ચંદ્રક
૧૯૪૫રક્ષણ માટેનો ચંદ્રક
૧૯૪૭ભારતની આઝાદી માટેનો ચંદ્રક
૨૦૧૨ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કરીને ભાવનગર યુની. નું નામાભિધાન મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુની. કર્યુ.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Indian states since 1947, (Worldstatesmen, September 16, 2008)
  2. Governors of Tamil Nadu since 1946 સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન, (Tamil Nadu Legislative Assembly, September 15, 2008)