ગાંધી સ્મૃતિ સંગ્રહાલય
ગાંધી સ્મૃતિ સંગ્રહાલય મહાત્મા ગાંધીના સ્મરણને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી ભાવનગરમાં ૧૯૫૫માં સ્થાપવામાં આવેલું સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં ગાંધીજીના જીવનની પ્રદર્શનીની સાથે સાથે ગાંધી સ્મૃતિ પુસ્તકાલય પણ આવેલું છે.
સ્થાપના
[ફેરફાર કરો]સરદાર પટેલે ૧૯૪૮માં એવી ઇચ્છા દર્શાવી હતી કે ભાવનગરમાં મહાત્મા ગાંધીની યાદગીરી તરીકે એક અલગ સંગ્રહાલયની સ્થાપના થવી જોઈએ. આ સ્વપ્નને સાકાર કરવા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહીલે પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું, અને અબ્દુલ હુસેન મર્ચન્ટ તથા માસૂમ અલી મર્ચન્ટે ભાવનગરમાં વિશાળ જમીન દાનમાં આપી હતી. આ પ્રયત્નોના પરિણામસ્વરૂપે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં નવેમ્બર મહિનાની પહેલી તારીખે આ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. પ્રારંભિક ટ્રસ્ટી મંડળમાં બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ અને વિઠ્ઠલભાઈ ઝવેરી સામેલ હતા.[૧]
સંગ્રહાલય
[ફેરફાર કરો]૧૮૬૯માં ગાંધીજીના જન્મથી લઈને 1948માં તેમના અવસાન સુધીની વિવિધ ઘટનાઓને દર્શાવતા ૨૦૦થી વધારે ફોટોગ્રાફ્સ આ સંગ્રહાલયમાં કાયમી પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. આમાં પોરબંદરનું જન્મસ્થાન, પ્રાથમિક અને ઉચ્ચતર શાળાઓ – આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગરની શામળદાસ કૉલેજ, દક્ષિણ આફ્રિકામાં સ્થિત ટૉલ્સ્ટૉય આશ્રમ, આશ્રમનું દૈનિક જીવન, દક્ષિણ આફ્રિકામાં ચાલેલા સત્યાગ્રહ સંઘર્ષો, ભારતમાં ગાંધીજીનું પદાર્પણ, સાબરમતી આશ્રમ, દાંડીયાત્રા, અનેક વિશિષ્ટ વ્યક્તિઓ સાથેના મુલાકાતો, ગાંધીજીનું નિજી જીવન, સુખ-દુઃખની ખાનગી પળો જેવા અનેક પ્રસંગોનું ચિત્રાત્મક વર્ણન જોવા મળે છે.[૧]
આ સંગ્રહાલયને શરૂઆતમાં જયંત મેઘાણી જેવા વિદ્વાન ગ્રંથપાલ મળ્યા હતા. ત્યારબાદ નલિન સોની, લાભશંકર ભટ્ટ, સુધીર શાહ, હેમંત દવે, અમૃત મારુ જેવા યોગ્ય ગ્રંથપાલોએ સેવા આપી છે.
ગાંધી સ્મૃતિ પુસ્તકાલય
[ફેરફાર કરો]આ સંગ્રહાલય ઉપરાંત અહીં ગાંધી સ્મૃતિ પુસ્તકાલય પણ આવેલું છે; જેમાં ૧૯૫૬માં ૨૬૪૫ પુસ્તકો અને સામયિકો હતાં, જ્યારે હાલમાં ૩૦૦૦૦થી વધુ પુસ્તકો અને સામયિકો છે. આ પુસ્તકાલય ચાર વિભાગોમાં વિભાજિત છે:
(૧) ગાંધી સંશોધન વિભાગ: અહીં ગાંધીજીના તમામ લેખિત કાર્યો ઉપરાંત વિશ્વભરના લેખકો દ્વારા ગાંધીજી વિષે લખાયેલા મહત્વપૂર્ણ ગ્રંથો અને લેખોનો સંગ્રહ છે. ગાંધીજી દ્વારા સંપાદિત 'હરિજનબંધુ', 'યંગ ઇન્ડિયા', 'નવજીવન' સામયિકોની સંપૂર્ણ પ્રતો, અમૃતલાલ શેઠના 'સૌરાષ્ટ્ર' અને 'રોશની' તથા 'કુમાર', 'કૌમુદી', 'ગ્રંથ', 'મિલાપ', 'સંસ્કૃતિ', 'ગુજરાત', 'નૅશનલ જ્યોગ્રૉફિક' જેવા સામયિકોના અંકો પણ સંગ્રહિત છે.
(૨) મહિલા વાચનાલય: મહિલાઓ માટે ઉપયોગી વિષયો જેમ કે ગૃહસજ્જા, બાળપાલન, ધાર્મિક વિષયો, સ્વાસ્થ્ય, સમાજશાસ્ત્ર, જીવનકથાઓ વગેરે વિષયો પર લગભગ ૭૦૦૦ પુસ્તકો અહીં સંગ્રહિત છે.
(૩) બાળકો માટેનો વિભાગ: બાળકોના વ્યક્તિત્વ વિકાસમાં લાભદાયી બને તેવાં ૪૦૦૦થી વધુ પુસ્તકો આ વિભાગમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકો મોટા અક્ષરોમાં છાપવામાં આવ્યાં છે. આમાં સાહસિક વાર્તાઓ, કથાઓ, જીવન-વર્ણનો, ઐતિહાસિક વિષયો, હાસ્ય, વિજ્ઞાન, નાટકો વગેરે સમાવિષ્ટ છે.
(૪) વાચનખંડ: સવારે ૯થી બપોરે ૧૨ અને બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ વિભાગમાં કુલ ૮ અખબારો અને ૧૦૦ સામયિકો નિયમિત પ્રાપ્ત થાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2  "ગાંધી સ્મૃતિ સંગ્રહાલય – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-10-01. {{cite web}}: Check date values in:|access-date=(મદદ)
